મુખપૃષ્ઠસહકારી માળખામાં જિલ્‍લા પંચાયતની સેવાઓ

સહકારી માળખામાં જિલ્‍લા પંચાયતની સેવાઓકલમ-૦૯ :- સહકારી મંડળીની નોંધણી અને કામચલાઉ નોંધણીઃ

કલમ-૧૦ :- સહકારી મંડળીનું નોંધણી પત્રકઃ

કલમ-૧૩ :- સહકારી મંડળીના પેટાનિયમોમાં સુધારોઃ

કલમ-૧પ :- સહકારી મંડળીના નામમાં ફેરફારઃ

કલમ-૧૭ :- સહકારી મંડળીના જોડાણ, હસ્‍તાંતર,વિભાજન અથવા રૂપાંતરઃ

કલમ-૧૮ :- જોડાયેલી, વિભાજીત અથવા રૂપાંતરિત મંડળીઓની નોંધણીનું વિલોપનઃ

કલમ-૧૯ :- મંડળીઓનું પુનઃ નિર્માણઃ

કલમ-૨૧ :- સહકારી મંડળીઓની ભાગીદારીઃ

કલમ-૨૪:- સહકારી મંડળીમાં ખુલ્‍લુ સભ્‍યપદઃ

કલમ-૭પ :- મંડળીની ચૂંટણી થયેથી નવા અધ્‍યક્ષને દફતર અને મિલકત સોંપણીઃ

કલમ-૭૭ :- વાર્ષિક સામાન્‍ય સભાઃ

કલમ-૭૮ :- મંડળીની ખાસ સામાન્‍ય સભાઃ

કલમ-૧૧પ :- મંડળીની વધારાની અસ્‍કયામતોનો નિકાલઃકલમ-૯ :- સહકારી મંડળીની નોંધણી અને કામચલાઉ નોંધણીઃ


સદરહું કલમ હેઠળ સુચિત મંડળી તરફથી નોંધણીની અરજી મળ્યેથી જો રજિસ્‍ટ્રારશ્રીનો એવો અભિપ્રાય થાય કે મંડળીએ સહકારી કાયદાની તમામ જોગવાઇઓ અને નોંધણી અંગેના નિયમોનું પાલન કરેલ છે અને તેના પેટા નિયમો કાયદા, કાનુનથી વિરુધ્‍ધ નથી તો તે સુચિત મંડળીની નોંધણી કરશે અને તેમ ન જણાય તેવા સંજોગોમાં સહકારી કાયદા અને કાનુનને અનુરૂપ જરૂરી સુધારાઓ કરવાનો આદેશ કરી શકશે. સુચિત મંડળીની જયારે કામચલાઉ નોંધણી કરવામાં આવેલ હોય ત્‍યારે આ કલમની પેટા કલમ-૧(બી) હેઠળ હુકમ કરાયેલ શરતોનું પાલન થતાં રજિસ્‍ટ્રારશ્રી છેવટે તેની નોંધણી કરશે. પરંતુ હુકમ કરાયેલ શરતોનું પાલન કરવાની નિષ્‍ફળતાથી તેની કામચલાઉ નોંધણી રદ કરશે. કામચલાઉ રીતે નોંધાયેલ સુચિત મંડળી સહકારીકાયદા તળે નોંધાયેલ મંડળી ગણાશે નહી મંડળીની નોંધણી થયેથી, રજિસ્‍ટ્રાર તેને પોતાની સહીવાળુ પ્રમાણ પત્ર કાઢી આપશે.;

 

 

કલમ-૧૦ :- સહકારી મંડળીનું નોંધણી પત્રકઃ


સહકારી કાયદા હેઠળ નોંધાયેલ અથવા નોંધાયેલ ગણાતી તમામ મંડળીઓનું નોંધણીપત્રક નિયત નમુનામાં રજિસ્‍ટ્રારશ્રી રાખશે અને રજિસ્‍ટ્રારશ્રીએ આવું નિયત નમુનાનું નોંધણીપત્રક નમુના ‘બી’ અનુસાર રાખવાનું હોય છે.

 

 

કલમ-૧૩ :- સહકારી મંડળીના પેટાનિયમોમાં સુધારોઃ


સહકારી કાયદા હેઠળ નોંધાયેલ અથવા નોંધાયેલ ગણાતી તમામ મંડળીઓના પેટાનિયમોમાં સુધારા આ કલમ હેઠળ મંડળીની તે અંગેની દરખાસ્‍ત રજુ થયેથી રજિસ્‍ટ્રારશ્રી દ્વારા મંજુર કરવામાં આવે છે. મંડળીના પેટાનિયમોમાં કોઇ સુધારો સહકારી કાયદા નીચે નોંધાયેલ ન હોય ત્‍યાં સુધી કાયદેસર ગણાશે નહી. મંડળીની સામાન્‍ય સભામાં નિયત રીતે પસાર કરેલ સુધારાની એક નકલ રજિસ્‍ટ્રારશ્રીને મોકલવામાં આવશે અને તે સુધારા કાયદા કે કાનુનથી વિરૂધ્‍ધ ન હોય તો તે સુધારા મંજુર કરવામાં આવશે. મંડળીના સુધારાનો ઇન્‍કાર કરતો હુકમ મંડળીને સાંભળવાની તક આપ્‍યા સિવાય અને કારણો જણાવ્‍યા સિવાય કરી શકાશે નહી સુધારા મંજુરીની એક પ્રમાણિત નકલ રજિસ્‍ટ્રારશ્રી એ મંડળીને કાઢી આપશે.


કલમ-૧પ :- સહકારી મંડળીના નામમાં ફેરફારઃ


સહકારી મંડળીના નામમાં ફેરફાર કરતી વખતે અપનાવવાની વિધિ અંગે આ કલમમાં જોગવાઇ કરવામાં આવેલ છે. મંડળીનું નામ મંડળીના પેટાનિયમોમાં દાખલ કરાયેલું હોય છે. આથી મંડળીનું નામ બદલવા માટે કલમ-૧૩ માં નિર્દીષ્‍ટ કરાયેલ રીતે મંડળીના નામમાં ફેરફાર કરવો જોઇએ. મંડળીના નામમાં કોઇ ફેરફાર થવાથી મંડળીના કે કોઇ ચાલુ અથવા માજી સભ્‍યોના કોઇ અધિકાર કે જવાબદારીને કોઇ અસર પહોંચતી નથી. નામમાં ફેરફાર થાય તે સમયે કોઇ વ્‍યકિત અથવા અદાલત સમક્ષ કોઇ કાનુની કાર્યવાહી ચાલુ હોય તો તે કાર્યવાહી મંડળી પોતાના નવા નામે ચાલુ રાખી શકે છે. તે જ રીતે તેવા સમયે તેવી કોઇ કાર્યવાહી ચાલુ હોય તો તે પણ ચાલુ રાખી શકાય છે. મંડળીના નામાં ફેરફાર થયેથી રજિસ્‍ટ્રારશ્રી મંડળીઓના નોંધણી પત્રકમાં મંડળીના જુના નામના બદલે નવું નામ દાખલ કરે છે અથવા તેમ કરવાની ફરજ છે.

 

 

કલમ-૧૭ :- સહકારી મંડળીના જોડાણ, હસ્‍તાંતર,વિભાજન અથવા રૂપાંતરઃ


રજિસ્‍ટ્રારશ્રીની પૂર્વમંજુરી અને નિયમોની જોગવાઇઓ આધિન મંડળીના જોડાણ, તેની અસ્‍કયામતો અને જવાબદારીઓના હસ્‍તાંતર, વિભાજન, રૂપાંતર અથવા ઉદેશમાં ફેરફાર કરવાના હેતુ માટે ભરવામાં આવેલ ખાસ સાધારણ સભામાં બે તૃતીયાંશ બહુમતીથી ઠરાવ પસાર કરીને તેવી દરખાસ્‍ત કરવામાં આવે અને રજિસ્‍ટ્રારશ્રીને ખાતરી થાય કે મંડળીએ તેના લેણાં અને દેણાં સંબંધે હિત ધરાવતી વ્‍યકિતને વિકલ્‍પ વાપરવાની લેખિત નોટીસ આપેલ છે અને તે તમામ દાવાઓ પુરેપેરા ભરપાઇ કરાયા હોય, તે સિવાય રજિસ્‍ટ્રારશ્રી મંડળીના ઠરાવને મંજુરી આપશે નહી. મિલકત હસ્‍તાંતર અને ભારતીય નોંધણી ધારામાં ગમે તે મજકુર હોય તો પણ સંબંધિત મંડળીને પ્રાપ્‍ત થયાનો પૂરતો હસ્‍તાંતર દસ્‍તાવેજ ગણાશે. આ કલમ હેઠળ જોડાણ, હસ્‍તાંતર, વિભાજન અથવા રૂપાંતરથી આ રીતે જોડાણ પામેલી અથવા વિભાજીત થયેલ કે રૂપાંતરીત કરાયેલ મંડળીના અથવા હસ્‍તાંતર ગ્રહિતાના અધિકાર કે જવાબદારીને અસર કરશે નહી.

 

 

કલમ-૧૮ :- જોડાયેલી, વિભાજીત અથવા રૂપાંતરિત મંડળીઓની નોંધણીનું વિલોપનઃ


આ કલમથી સહકારી કાયદાની કલમ-૧૭ અન્‍વયે જોડાયેલી, વિભાજીત અથવા રૂપાંતરિત મંડળીઓની નોંધણી રદ કરવાની જોગવાઇ છે. નવી મંડળીની નોંધણી થાય તે તારીખથી જુની મંડળીની નોંધણી રદ થાય છે.

 

 

કલમ-૧૯ :- મંડળીઓનું પુનઃ નિર્માણઃ


મંડળી અને તેના લેણદારોની વચ્‍ચે કે મંડળી અને તેના સભ્‍યોની વચ્‍ચે સમાધાન અથવા વ્‍યવસ્‍થા સૂચવાયેલ હોય ત્‍યારે રજિસ્‍ટ્રારશ્રી, મંડળી કે મંડળીના કોઇ સભ્‍ય કે કોઇ લેણદારની અરજી પરથી કે મંડળી આટોપી લેવામાં આવી રહી હોય ત્‍યારે ફડચાધિકારીની અરજી પરથી રજિસ્‍ટ્રારશ્રી નિયત રીતે મંડળીના પુનઃ નિર્માણનો હુકમ કરી શકે એટલે મંડળીને પુનઃ જીવીત કરવાનો આદેશ કરી શકે. મંડળીમાં થયેલ ગેરવહીવટ કે ગેરવ્‍યવસ્‍થાના કારણે, કુદરતી આફત અથવા કોઇ આર્થિક સ્‍થિતિમાં મુકાઇ જાય છે. આવા સમયે લેણદારોને લેણું ચુકવી શકવાની સ્‍થિતિમાં હોતી નથી. તેથી મંડળી અને તેના લેણદારો કે મંડળી અને તેના સભ્‍યો વચ્‍ચે આ મુદ્દે કોઇ સમાધાન કે વ્‍યવસ્‍થા સૂચવાયેલ હોય ત્‍યારે રજિસ્‍ટ્રારશ્રી, મંડળી કે મંડળીના કોઇ સભ્‍ય કે કોઇ લેણદારની અરજી પરથી કે મંડળી આટોપી લેવામાં આવી રહી હોય ત્‍યારે ફડચાધિકારીની અરજી પરથી રજિસ્‍ટ્રાર નિયત રીતે મંડળીના પુનઃનિર્માણનો હુકમ આ કલમ હેઠળ કરી શકે છે.

 

 

કલમ-૨૧ :- સહકારી મંડળીઓની ભાગીદારીઃ


કોઇ બે કે તેથી વધારે મંડળીઓ, રજિસ્‍ટ્રારશ્રીની પૂર્વ મંજુરીને આધિન આવી દરેક મંડળીની સામાન્‍ય સભામાં ત્રણ ચતુર્થાંસ બહુમતિથી ઠરાવ પસાર કરીને કોઇ પણ ખાસ ધંધો કે ધંધાઓ કરવા માટે ભાગીદારી કરી શકે. આ અંગે પ્રથમ મંડળીના દરેક સભ્‍યને ઠરાવ તથા સભાની તારીખની લેખિત નોટીસ ચોખ્‍ખા ૧૦ દિવસ અગાઉ મળેલ હોવી જોઇએ. આવી ભાગીદારીને ભારતીય ભાગીદારી કંપની ગણાય નહી. મંડળીઓ દ્વારા ભાગીદારીથી ધંધો કરવા માટે ત્રણ શરતો આ મુજબ છેઃ
(અ) રજિસ્‍ટ્રારશ્રીની પૂર્વ મંજુરી મેળવવી જોઇએ.
(બ) આવી દરેક મંડળીની સામાન્‍ય સભામાં ત્રણ ચતુર્થાંસ બહુમતીથી તે મતલબનો ઠરાવ પસાર કરવો જોઇએ.
(ક) મંડળીના દરેક સભ્‍યને ઠરાવ તથા સભાની તારીખની લેખિત નોટીસ ચોખ્‍ખા ૧૦ દિવસ અગાઉ મળેલ હોવી જોઇએ.

 

 

કલમ-૨૪:- સહકારી મંડળીમાં ખુલ્‍લુ સભ્‍યપદઃ


આ કલમની જોગવાઇ અનુસાર એવો સર્વસામાન્‍ય નિયમ સ્‍વીકારવામાં આવેલ છે કે જે વ્‍યકિત આ કાયદો, નિયમો અને મંડળીના પેટાનિયમો મુજબ સભ્‍ય થવાને લાયક હોય તેને સભ્‍ય તરીકે ઇન્‍કાર કરી શકાય નહી. કોઇ વ્‍યકિત મંડળીમાં સભ્‍ય તરીકે દાખલ થવા માટે અરજી કરે અને મંડળી તેને કાંઇ જવાબ જ ન આપે તો તેમાંથી ઉપસ્‍થિત થતી પરિસ્‍થિતિનું નિવારણ આ કલમની પેટા કલમ(૨) માં કરવામાં આવેલ છે. કોઇ વ્‍યકિત મંડળીમાં સભ્‍ય તરીકે દાખલ થવા માટે અરજી કરે અને મંડળીને અરજી મળ્યાની તારીખથી ત્રણ માસની મુદતમાં કોઇ નિર્ણયની જાણ ન કરે તો ઉકત ત્રણ માસની મુદત પુરી થયે તેવી વ્‍યકિત મંડળીનો સભ્‍ય થયેલ હોવાનું જણાવશે. આ કલમનો કોઇ મજકુર કલમ-૨૨ ની પેટા કલમ(૨) હેઠળ અધિસુચિત વર્ગની કોઇ મંડળીને લાગુ પડશે નહી.

 

 

કલમ-૭પ :- મંડળીની ચૂંટણી થયેથી નવા અધ્‍યક્ષને દફતર અને મિલકત સોંપણીઃ


સહકારી મંડળીની નવી સમિતિ તેમજ નવા અધ્‍યક્ષની ચુંટણી થયેથી, મંડળીના દફતર, મિલકત વગેરે નવા અધ્‍યક્ષને સોંપવાની આ કલમથી જોગવાઇ કરવામાં આવેલ છે. આ કલમની પેટા કલમ(૧) ઠરાવે છે કે સમિતિ કાર્યાલય, સમિતિ અથવા તેના અધિકારીના કબજામાં હોય તેવા તમામ કાગળો અને મિલ્‍કત, જો હોય તો, નિવૃત થતાં અધ્‍યક્ષને તેનો હવાલો સોંપી દેવો જોઇએ. જો નિવૃત્ત થતાં અધ્‍યક્ષ ઉપર પ્રમાણે હવાલો સોંપવામાં નિષ્‍ફળ જાય અથવા ઇન્‍કાર કરે ત્‍યારે કયાં પગલા લેવા તે અંગે સદરહુ કલમની પેટા કલમ(૨) માં જોગવાઇ કરવામાં આવેલી છે. તે અનુસાર આવા પ્રસંગે, રજિસ્‍ટ્રારશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ વ્‍યકિત લેખિત હુકમ કરીને આવો હવાલો તરત જ સોંપવાનો આદેશ કરી શકે છે. નિવૃત્ત થતાં અધ્‍યક્ષ આવા આદેશનું પાલન કરવામાં નિષ્‍ફળ જાય, તો રજિસ્‍ટ્રાર મંડળીના દફતર અને મિલકત જપ્‍ત કરવાનો તેમજ સહકારી અધિનિયમની કલમ-૮૩ માં જણાવેલ રીતે નવા અધ્‍યક્ષને સોંપવાનો આદેશ કરી શકે છે. રજિસ્‍ટ્રારશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ વ્‍યકિત લેખિત હુકમ કરીને આવો હવાલો તરત જ સોંપવાનો આદેશ કરી શકે છે. રજિસ્‍ટ્રારના આવા આદેશનું પાલન કરવામાં નિવૃત થનાર અધ્‍યક્ષ નિષ્‍ફળ જાય, તો કાયદાની કલમ-૧૪૭ હેઠળ સજાને પાત્ર બને છે. આમ, આ કલમથી ઉત્તરોતર હવાલો સોંપવામાં ઉપસ્‍થિત થતી સ્‍થિતિ અંગે કાયદાકીય નિવારણ કરવામાં આવેલ છે.

 

 

કલમ-૭૭ :- વાર્ષિક સામાન્‍ય સભાઃ


આ કલમથી સહકારી મંડળીની સામાન્‍ય સભા બોલાવવાની મુદ્દત, તેમાં કરવાના કામકાજ, તેમાં મુકવાના દસ્‍તાવેજ તથા સભા બોલાવવાની કસૂરનાં પરિણામ વિશે જોગવાઇઓ કરવામાં આવેલ છે. મંડળીમાં સામાન્‍ય સભા બે પ્રકારની મળે છે. (૧) વાર્ષિક સામાન્‍ય સભા કે જે મંડળીનું હિસાબી/નાણાકીય વર્ષ પૂર્ણ થતાં બોલાવવામાં આવે છે, તેની જોગવાઇ આ કલમ‍થી થયેલ છે. જયારે (૨) ખાસ સામાન્‍ય સભા કે જે કલમ-૭૮ માં નિર્દિષ્‍ટ જોગવાઇ અનુસાર મળે છે. વાર્ષિક સામાન્‍ય સભા અંગેની આ કલમની જોગવાઇ સાજ્ઞાત્‍મક છે. દરેક મંડળી માટે તેનું પાલન ફરજિયાત છે. આ સભામાં સરવૈયુ, નફા-ખોટનો હિસાબ, સમિતિનો અહેવાલ, ઓડીટરનો અહેવાલ સામાન્‍ય સભાની સ્‍વીકૃતિ માટે તેમાં રજુ થવા જોઇએ. જો રજિસ્‍ટ્રારને એમ લાગે કે મુદ્દત વધારો આપવાનું જરૂરી નથી અથવા વધારી આપેલ મુદ્દત સુધીમાં જો મંડળી સભા ન બોલાવે તો રજિસ્‍ટ્રારશ્રી પોતે અથવા તેણે અધિકુત કરેલ વ્‍યકિત મંડળીની આવી સભા બોલાવી શકે છે. વાર્ષિક સામાન્‍ય સભા અંગેની નોટીસ મંડળીના દરેક સભ્‍યને લેખિતમાં મંડળીના પેટાનિયમમાં જણાવેલ સમય મુજબ મોકલવી જોઇએ. આ નોટીસમાં સામાન્‍ય સભામાં હાથ પર લેવાનાર કામકાજનું વિવરણ/એજન્‍ડા જણાવવામાં આવે છે. આ સભા વ્‍યાજબી કારણ વિના જવાબદાર વ્‍યકિત નિષ્‍ફળ જાય તો અથવા આ કલમનની પેટા કલમ (૨) (૩) કે (૪) નું પાલન કરવામાં નિષ્‍ફળ જાય તો તેમની થતી જવાબદારીની પેટા કલમ (પ) માં જોગવાઇ કરવામાં આવેલી છે તે મુજબ રૂ. એકસો થી વધારે નહી તેટલી રકમ સુધીનો દંડ અને મંડળીના કોઇ હોદ્દા ઉપર નિમાવા ગેરલાયક જાહેર કરી શકે પરંતુ આવો આદેશ કરતાં પૂર્વે જવાબદારને વ્‍યાજબી તક આપશે.

 

 

કલમ-૭૮ :- મંડળીની ખાસ સામાન્‍ય સભાઃ


કલમ-૭૮ માં મંડળીની આ પ્રકારની સભા બોલાવવા અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે. આવી સભા મંડળીની સમિતિના બહુમતિ સભ્‍યો કોઇ પણ સમયે બોલાવી શકે અને આવી સભા મંડળીના એક પંચમાશ સભાસદોની કે મંડળીના પેટા નિયમમાં નિર્દિષ્‍ટ કરેલ હોય તેટલા સભ્‍યો એ બે માંથી ઓછી હોય તેવી સંખ્‍યાની લેખિત માંગણીથી કે રજિસ્‍ટ્રારની માંગણીથી એક માસમાં બોલાવવામાં આવશે. આ કલમ કલમ-૭૭ જેવી જ દંડ અને શિક્ષાની જોગવાઇ ધરાવે છે. આ કલમ હેઠળ સભાનું થયેલ ખર્ચ મંડળીના ફંડમાંથી કે સભા બોલાવવામાં નિષ્‍ફળ જનાર જવાબદાર તરફથી ચુકવવાનો હુકમ કરવાની રજિસ્‍ટ્રારશ્રીને સત્તા રહે છે.

 

 

કલમ-૧૧પ :- મંડળીની વધારાની અસ્‍કયામતોનો નિકાલઃ


જે મંડળીને આટોપી લેવામાં આવેલ હોય તેના ફડચા અધિકારીના આખરી અહેવાલમાં દર્શાવવામાં આવેલ હોય તે વધારાની અસ્‍કયામતો તેના સભાસદોને વહેંચવામાં આવશે નહી. પરંતુ જો મંડળીના પેટાનિયમમાં નિર્દિષ્‍ટ કરાયેલ હોય કે આવી વધારાની અસ્‍કયામતો અમુક હેતુ માટે વાપરવામાં આવશે તે તે પેટાનિયમોમાં જોગવાઇ કરાયેલ કોઇ ઉદ્દેશ કે ઉદ્દેશો માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. જયારે મંડળીમાં આવી કોઇ પેટાનિયમ ન હોય, ત્‍યારે વધેલી રકમ રજિસ્‍ટ્રારશ્રીમાં સ્‍થાપિત થશે કે જે તે ટ્રસ્‍ટમાં ધારણ કરશે અને આમવા જ ઉદ્દેશથી નોંધાયેલ અને જે મંડળીના અનામત ભંડોળમાં હસ્‍તાંતર કરશે. પરંતુ ઉકત બાબતે જોગવાઇ એવી કરવામાં આવી છે કે જે મંડળીની વધેલ રકમ રજિસ્‍ટ્રારશ્રીમાં સ્‍થાપિત થયેલ હોય તેની નોંધણી રદ થયાના ત્રણ વર્ષ અંદર આવી મંડળી અસ્‍તિત્‍વ ધરાવતી ન હોય અથવા નોંધાયેલ ન હોય તે રજિસ્‍ટ્રારશ્રી પોતાને શ્રેષ્‍ઠ લાગે તે રીતે આ કલમની પેટા કલમ-(એ૧) થી (સી) માં નિર્દિષ્‍ટ કર્યા અનુસારના હેતુ માટે વાપરી શકશે. સદરહું કલમથી ફડચામાં ગયેલ અને જેની નોંધણી રદ કરતાં પૂર્વે મંડળી પાસે રહેલ વધારાની અસ્‍કયામતોના નિકાલની જોગવાઇ કરવામાં આવેલ છે. આ કલમનો ઉદ્દેશ મંડળીની વધારાની અસ્‍કયામતોના નિકાલ તથા તેના શ્રેષ્‍ઠ વપરાશ કરવા અંગેનો રહેલો છે.

છેલ્લા સુધારાની તારીખ : 26/4/2018

વપરાશકર્તાઓ : 707359